વચન વિવેકી જે
વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથાર્થ વચનની સાન જેણે જાણી રે
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ,
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એક મના થઈને આરાધ કરે તો,
નકળંક પ્રસન્ન થાય રે... વચન વિવેકી.
વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ!
વચને મંડાય પ્રભુનો પાઠ,
વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો,
વચનનો લા'વે જોને ઠાઠ રે ... વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
કરવો વચન વાળાનો સંગ રે ... વચન વિવેકી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો