બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે
વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !
બેની ! મું ને…૦
કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;
શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;
કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;
ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;
ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;
ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;
અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;
નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;
કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો