આ બ્લૉગ શોધો

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

સિકંદર


મેસોડેનિયાના રાજવી ફિલીપ ખૂબ મહત્વાકાંક્ષી હતા. તેમના મનમાં વિશ્વવિજેતા થવાની પ્રબળ ઈચ્છા હતી. તેમણે પ્રારંભ કર્યો અને આજુબાજુના ઘણાં રાજ્યોને જીતી પણ લીધા, પરંતુ તે પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે વિશેષ વિજયો હાંસલ કરી શકે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું. રાજા ફિલીપના પુત્રનું નામ સિકંદર. સિકંદર પોતાના પિતા કરતાં સવાયો મહત્વાકાંક્ષી હતો. વિશ્વવિજેતા થવાની તીવ્ર આકાંક્ષા તેના મનમાં ખૂબ નાની વયથી જ હતી. પિતા ફિલીપના મૃત્યુ પછી તેમના એક માત્ર વારસદાર તરીકે તે રાજા બન્યો. સિકંદર પોતાને દેવપુત્ર અને અલૌકિક માનવ માનતો હતો.
પિતાના મૃત્યુ પછી અને રાજગાદી પર આસીન થયા પછી થોડા જ વખતમાં તેણે દિગ્વિજયની તૈયારી કરવા માંડી. સિકંદરની ઉંમર તે વખતે ખૂબ નાની હતી. પરંતુ વીરોને વળી ઉંમર શું ? આજુબાજુના વિસ્તારમાં તેમણે મેળવેલા વિજયો દ્વારા સિદ્ધ થઈ ગયું હતું કે નાની વયે પણ સિકંદર એક મહાન સેનાપતિ હતો. એક મહાન સેનાપતિની સર્વ યોગ્યતા તેનામાં હતી. તે વીર હતો, યુદ્ધવિશારદ હતો, સાહસિક હતો અને ખૂબ મહત્વાકાંક્ષી પણ હતો. તેણે ચુનંદા સૈનિકો, ઉત્તમ અશ્વો, ઉત્તમ હથિયારો, કુશળ સેનાપતિઓ, વફાદાર સરદારો અને અન્ય આવશ્યક સામગ્રી તૈયાર કરીને એક સક્ષમ મોટી સેના તૈયાર કરી. વિશ્વવિજય કરવા માટે તે હવે તલપાપડ થઈ રહ્યો હતો. સર્વ તૈયારી પૂરી થઈ. વિશ્વવિજય માટે નીકળવાનું મુર્હૂત પણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. વિશ્વવિજય માટે નીકળવાના દિવસને આગલે દિવસે સિકંદર એક ખાસ કામ માટે એક ખૂબ વિશિષ્ટ વ્યક્તિની મુલાકાત માટે જાય છે.
તે સમયે ગ્રીસમાં ડાયોઝિનિસ નામના એક સંતપુરુષ હયાત હતા. ડાયોઝિનિસ અવધૂત પુરુષ હતા. એથેન્સના મહાન સંત સોક્રેટિસ અને મહાન તત્વજ્ઞાની પ્લેટો પછીનો આ કાળ હતો. ડાયોઝિનિસને તે સમયના લોકો સોક્રેટિસનું નવું સ્વરૂપ ગણતા. મહાન સિકંદરને પણ સંત ડાયોઝિનિસ પ્રત્યે ખૂબ આદર હતો. સિકંદરના મનમાં એવી ભાવના હતી કે વિશ્વવિજય માટે પ્રયાણ કરતાં પહેલાં ડાયોઝિનિસ પાસે જવું, તેમના દર્શન કરવા, તેમના આશીર્વાદ મેળવવા અને પછી વિશ્વવિજય માટે નીકળવું. પોતાના મોટા વફાદાર સરદારોને સાથે લઈને સિકંદર ડાયોઝિનિસની પાસે જાય છે. સંત ડાયોઝિનિસ નગ્ન અવસ્થામાં એક વૃક્ષની નીચે સૂતા હતા. સિકંદર પોતાના સાથીઓ સાથે તેમની પાસે પહોંચ્યા. સિકંદરે તેમની સમક્ષ ઊભા રહીને તેમને પ્રણામ કર્યા. ડાયોઝિનિસ સૂતેલી અવસ્થામાં જ રહ્યા, બેઠા પણ ન થયા. સિકંદરે પુનઃ વંદન કરીને પ્રાર્થના કરી :
‘આવતી કાલે હું વિશ્વનો વિજય કરવા માટે પ્રયાણ કરું છું. આપના આશીર્વાદ ઈચ્છું છું.’
ડાયોઝિનિસ એ જ અવસ્થામાં પડ્યા રહ્યા. પડ્યા પડ્યા જ બોલ્યા :
‘શું છે ?’
સિકંદરે ફરીથી કહ્યું : ‘આવતી કાલે હું વિશ્વનો વિજય કરવા માટે પ્રયાણ કરું છું. આપના આશીર્વાદ પામવા માટે આવ્યો છું. આપ કૃપા કરીને મને વિશ્વવિજય માટે આશીર્વાદ આપો.’ ડાયોઝિનિસ બેઠા પણ ન થયા. એમ ને એમ સૂતેલા જ રહ્યા અને સૂતાં સૂતાં બોલ્યા : ‘વિશ્વ પર વિજય મેળવીને પછી તું શું કરીશ ?’
સિકંદર તો સ્તબ્ધ બની ગયો. કાંઈક ગૂંચવાયો પણ ખરો. શું જવાબ આપવો ? આખરે સિકંદરે ઉત્તર આપ્યો : ‘વિશ્વ પર વિજય સિદ્ધ કરીને પછી હું શાંતિથી રહીશ.’
ડાયોઝિનિસે તુરત પરખાવ્યું : ‘અત્યારે જ શાંતિથી રહેવા માટે કોણ ના કહે છે ? અત્યારે જ શાંતિથી રહી શકાય. શાંતિથી રહેવા માટે વિશ્વવિજય કરવાની શું જરૂર છે ? અમે તો વિશ્વવિજય શું શેરીવિજય પણ સિદ્ધ કર્યો નથી. તો પણ શાંતિથી રહીએ છીએ. શાંતિથી રહેવા માટે તો આ વૃક્ષની છાયા પર્યાપ્ત છે તું પણ આવી જા. અહીં પૂરતી જગ્યા છે.’ સિકંદર શું બોલે ? તે ચૂપચાપ પાછો વળી ગયો. તે બીજે દિવસે વિશ્વવિજય માટે નીકળ્યો તો ખરો જ, પણ આપણે સૌ જાણીએ છીએ કે તે વિશ્વ વિજય કરીને ગ્રીસ પાછો પહોંચ્યો જ નહિ. રસ્તામાં બેબિલોનમાં જ તેનું અવસાન થયું. જે શાંતિથી રહેવા માટે તે વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો તે શાંતિથી રહેવાનો વખત આવ્યો જ નહિ.
આપણા સૌની અંદર એક સિકંદર બેઠો છે. તે સિકંદર પણ શાંતિથી રહેવા ઈચ્છે છે, પણ શાંતિથી રહેવા માટે, તે પહેલાં વિશ્વવિજય (કે અન્ય કોઈક પ્રકારનો વિજય) કરવા ઈચ્છે છે, તે માટે દોડે છે, પરંતુ શાંતિથી રહેવાનો વખત ક્યારેય આવતો નથી. ત્યાર પહેલાં તો આપણી પાસે બેબિલોનમાં બનેલી ઘટના આવી પહોંચે છે. માનવી એક એવા સમય માટે જીવનભર તૈયારી કરે છે, જે સમય કદી આવતો જ નથી. અને માનવી પોતાનું જીવન તૈયારીમાં જ ગુમાવી દે છે.
આખી રાત વીતી જાય છે શૈયા બિછાવવામાં જ,
પછી શયન કરશું ક્યારે ?
આયખું આમ જ વીતી જાય છે તૈયારી કરવામાં જ,
મિત્ર મારા ! ખરેખર જીવશું ક્યારે ?
માનવી શાંતિ ઈચ્છે છે, શાંતિથી જીવવા ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે શાંતિની પ્રાપ્તિ માટે, શાંતિથી જીવવા માટે આટલાં ઉપદ્રવો કરવાની શી જરૂર છે ? આપણે જ આપણા માટે અશાંતિ ઊભી ન કરીએ તો શાંતિ તો છે જ !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો